મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટના કારણે અસર પામેલા પરિવારોનું કૌશલ્ય વધારવા તથા આવક મેળવવાની તક પેદા કરવા માટે એનએચએસઆરસીએલ આવક પુનઃસ્થાપન કાર્યક્રમ હેઠળ વિવિધ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે.
થાણે જિલ્લાના ગામોમાંથી 14 ઉમેદવારોની પ્રથમ બેચે હોટલ મેનેજમેન્ટમાં તેમની વર્ગખંડ તાલીમ પૂર્ણ કરી છે અને હવે તેઓ મુંબઈમાં અંધેરી ખાતે એક પ્રતિષ્ઠિત હોટલમાં છ મહિના માટે ‘ઓન ધ જોબ ટ્રેનિંગ’ મેળવશે. વર્ગખંડની તાલીમ દરમિયાન સહભાગીઓએ ખાદ્યાન્ન ઉત્પાદન, ફૂડ અને બેવરેજ સર્વિસ, હોટલની સાફસફાઈ, સંદેશાવ્યવહાર અને ફ્રન્ટ ઓફિસનું કૌશલ્ય મેળવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમ થાણે, મહારાષ્ટ્ર સ્થિત સરકારી માન્યતાપ્રાપ્ત સંસ્થા કાઉન્સિલ ઓફ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા યોજવામાં આવ્યો હતો.
સહભાગીઓ સાથે ડિજિટલ રીતે સંવાદ કરતા એનએચએસઆરસીએલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અચલ ખરેએ જણાવ્યું કે, “ભારત યુવાનોનો દેશ છે અને આપણા યુવાનોએ એવું કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે કામ કરવું જોઈએ જેનાથી તેઓ આત્મનિર્ભર બની શકે અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લઈ શકે. એનએચએસઆરસીએલ વિવિધ શાખાઓમાં કૌશલ્ય વિકાસની તાલીમ પૂરી પાડવા અને યુવાનોને તેમની રોજગારની તક સુધારવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
239થી વધારે સહભાગીઓને અત્યાર સુધીમાં વિવિધ કૌશલ્ય, જેમ કે કમ્પ્યુટર હાર્ડવેર અને નેટવર્કિંગ, કમ્પ્યુટર એકાઉન્ટિંગ, વેલ્ડિંગ અને ફેબ્રિકેશન, મોબાઈલ રિપેરિંગ, ઇલેક્ટ્રિકલ વર્ક્સ, ઓફિસ ઓટોમેશન, વગેરેમાં કૌશલ્ય વિકાસ તાલીમ આપવામાં આવી છે.
હાલમાં એનએચએસઆરસીએલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં બાંધકામને લગતી કામગીરી જેમ કે સળિયા વાળવા, કન્સ્ટ્રક્શન ઇલેક્ટ્રિકલ કામ, પ્લમ્બિંગ, પ્લાસ્ટરિંગ વગેરેમાં નિઃશૂલ્ક તાલીમ આપી રહ્યું છે.